ધોરણ ૬ થી ૮ વિદ્યાસહાયકની અટકેલી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ ના ઉમેદવારો માટે એક અગત્યની સુચના બહાર પાડવામાં આવી છે. નામદાર વડી અદાલતના ચુકાદા બાદ, જે ઉમેદવારોએ જ્ઞાનસહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન અનુસ્નાતક (Post Graduation)ની લાયકાત નિયમિત અભ્યાસ દ્વારા મેળવી છે, તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા ખાસ કરીને અનુસ્નાતક (M.sc, M.A, M.com)લાયકાતના વધારાના ૫% ગુણના મેળળવા સાથે સંબંધિત છે.
શા માટે આ ચકાસણી હાથ ધરવામાં આવી?
નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સી.એ. નં. ૮૧૬૯/૨૦૨૫ અને અન્ય સંબંધિત પિટિશનોના અનુસંધાનમાં, પસંદગી સમિતિ દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ઉમેદવારોના ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવાનો છે, જેમણે ચાલુ નોકરી સાથે નિયમિત રીતે અભ્યાસ કરીને M.sc, M.A, M.com જેવી ડીગ્રી મેળવી હોય. તા. ૨૪/૦૭/૨૦૨૫ના રોજ વડી અદાલતે આપેલા ચુકાદા મુજબ, આ ઉમેદવારોને તેમના દાવાને સમર્થન આપતા પુરાવાઓ સાથે સમિતિ સમક્ષ હાજર રહેવા જણાવાયું છે.
કોણે અને ક્યારે હાજર રહેવાનું છે?
પસંદગી સમિતિ દ્વારા જ્ઞાન સહાયક કે ચાલુ નોકરી સાથે અભ્યાસ કરેલ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમને ફાળવેલ તારીખ અને સમયે વિધાસહાયક ભરતી કાર્યાલય, સેક્ટર-૨૦, ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. સમિતિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ ઉમેદવારને પત્ર ન મળે તો પણ, જાહેર થયેલ યાદી મુજબ તેમણે ચોક્કસ હાજર રહેવું પડશે. આ પ્રક્રિયા તારીખ 13/08/2025 થી 21/08/2025 દરમિયાન થશે.
જો કોઈ ઉમેદવાર આ વધારાના ૫% ગુણનો લાભ લેવા માંગતા ન હોય, તો તેમના માટે સમિતિ સમક્ષ હાજર રહેવું ફરજિયાત નથી. જોકે, જે ઉમેદવારો નિયત સમયે અને સ્થળે જરૂરી પુરાવા સાથે હાજર નહીં રહે, તેઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી એમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જ્ઞાન સહાયક કે ચાલુ નોકરીએ અભ્યાસ કરેલ ઉમેદવારોનું લીસ્ટ ક્યાંથી ડાઉનલોડ કરવું?
પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની યાદી નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોને વિનંતી છે કે તેઓ આ યાદીમાં પોતાનું નામ ચકાસી લે અને તેમાં જણાવેલ તારીખ અને સમયે અવશ્ય હાજર રહે.
લીસ્ટ ડાઉનલોડ કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
રજૂ કરવાના થતા પુરાવાઓની યાદી
ઉમેદવારોએ નીચે મુજબના મુખ્ય ડોક્યુમેન્ટ અને પુરાવાઓ સાથે હાજર રહેવાનું રહેશે. તમામ પુરાવાઓની એક સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ અલગથી રાખવાની રહેશે.
- શૈક્ષણિક લાયકાત સંબંધિત પુરાવા: ચાલુ નોકરીએ મેળવેલ અનુસ્નાતક લાયકાતના પ્રવેશ, અભ્યાસનો મોડ (નિયમિત/ડિસ્ટન્સ), હાજરી પત્રક, તમામ સેમેસ્ટરની હોલ ટિકિટ, કોલેજનો સમય, અને અભ્યાસ માટે મેળવેલ મંજૂરીના પત્રો.
- નોકરી સંબંધિત પુરાવા: જ્ઞાન સહાયક કે અન્ય નોકરીના નિમણૂક પત્ર, નોકરીનો સમયગાળો, હાજરી પત્રક, પગારની વિગતો (પે-સ્લીપ), ભોગવેલ રજાઓ અને જો રાજીનામું આપ્યું હોય તો તેના પુરાવા.
- અન્ય પુરાવા: ઉમેદવાર પોતાના કેસને સમર્થન આપવા માટે અન્ય કોઈ આધાર-પુરાવા રજૂ કરવા ઇચ્છતા હોય તો તે પણ સાથે લાવી શકે છે.
ફરી ક્યારે શરુ થશે ધોરણ 6 થી 8 વિદ્યાસહાયક ભરતી?
ચોક્કસપણે આ સવાલ તો બધાને થઈ રહ્યો છે કે, ધોરણ 6 થી 8 વિદ્યાસહાયક ભરતી ક્યારે શરુ થશે? હાલ તો આ અંગે કોઈ ઓફિસિયલ અપડેટ નથી પણ આશા રાખીએ કે આ પ્રક્રિયા પૂર્ણ થયા બધા જલ્દી જ ભરતી પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય.